ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જાઓ, મોડી રાતે નારાજ મંત્રીઓને ભાજપ હાઇકમાન્ડનો ધમકીની ભાષામાં આદેશ
- નારાજ મંત્રીઓને મનાવવા દિવસભરની કવાયત નિષ્ફળ જતાં મધરાતે મામલો દિલ્હી સુધી પહોંચ્યો
પહેલા જ્ઞાતિના જોરે ધમકી, પછી શિરોમાન્ય હોવાનું રટણ
ગુજરાતમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામું શનિવારે લઈ લેવામાં આવ્યા બાદ રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે નવા નિશાળિયા એવા ભૂપેન્દ્ર પટેલને મૂકવામાં આવતાં સિનિયર મંત્રીઓમાં નારાજગી શરૂ થઈ હતી. ત્યાર બાદ ગઈકાલે આખો દિવસ જૂના મંત્રીઓમાંથી એકપણને રિપીટ નહીં કરાય એવી વાતો વહેતી થતાં સિનિયર મંત્રીઓએ મંત્રીપદ મેળવવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા. આ મામલે ગુજરાત આવેલા ભાજપના પ્રભારી અને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરી હતી. ત્યાર બાદ મોડી સાંજે ભાજપે નારાજ પૂર્વ મંત્રીઓને સમજાવવા માટે વિજય રૂપાણીને જવાબદારી સોંપી હતી. તેમ છતાં કેટલાક મંત્રીઓએ પોતાના સમાજ અને જ્ઞાતિના જોરે મંત્રીપદ મેળવવા માટે વડાપ્રધાન સુધી રજૂઆતો અને પત્રો લખ્યા હતા. એટલું જ નહીં, ભાજપના સિનિયર આગેવાનો સમક્ષ ધમકીની ભાષામાં પણ રજૂઆતો કરાઈ હતી.
નારાજ નેતાઓને પગલે શપથવિધિ મોકૂફ રખાઈ હતી?
નવા મંત્રીમંડળની શપથવિધિ જે ગઈકાલે થવાની હતી એને મોકૂફ રાખીને આજે રાખવામાં આવી હતી. પરિણામે, ગઈકાલે મોડી રાત સુધી ભાજપના હાઈકમાન્ડ અને પ્રદેશના સિનિયર નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ નારાજ મંત્રીઓને શાનમાં સમજાવી દેવાયા કે ઉપરથી આદેશ છે, ચૂપચાપ કામે લાગી જવું. હાઈકમાન્ડનો આદેશ નારાજ મંત્રીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યા બાદ તમામ રિસાયેલા મંત્રીઓ શાંત થઈ ગયા હતા અને આજે સવારથી પક્ષનો આદેશ શિરોમાન્ય હોવાનું રટણ શરૂ કરી દીધું હતું.
No comments:
Post a Comment